વણેલા ગાંઠીયા / Vanela Gathiya

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ પ્લેટ

 

સામગ્રી :

બેસન ૨૫૦ ગ્રામ

સોડા-બાય-કાર્બ ૧/૪ ટી સ્પૂન

મીઠું ૧ ટી સ્પૂન

હિંગ ૧ ટી સ્પૂન

મરી પીસેલા ૧ ટી સ્પૂન

અજમા ૧ ટી સ્પૂન

તેલ ૧/૪ કપ

તળવા માટે તેલ

 

સાથે પીરસવા માટે :

કઢી (થોડું બેસન મિક્સ કરીને વઘારેલી છાસ)

તળેલા મરચાં

ખમણેલી કોબી / ખમણેલા ગાજર / ખમણેલું કાચું પપૈયું, વઘારેલું અને અધકચરું પકાવેલું

ડુંગળી સમારેલી

 

રીત :

એક નાની વાટકીમાં સોડા-બાય-કાર્બ અને મીઠું લો. એમાં ૧/૪ કપ પાણી ઉમેરો, મિક્સ કરો. એક બાજુ રાખી દો.

 

એક કથરોટમાં બેસન લો. એમાં ૨ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરો અને બરાબર મિક્સ કરો.

 

હિંગ ઉમેરો અને બરાબર મિક્સ કરો.

 

સોડા-બાય-કાર્બ અને મીઠા સાથેનું પાણી ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઇ જરા કઠણ (એકદમ કઠણ નહીં) લોટ બાંધી લો. બાંધેલો લોટ આશરે ૧૫ મિનિટ માટે રાખી મુકો.

 

પછી, એમાં પીસેલા મરી અને અજમા ઉમેરો અને ૪ થી ૫ મિનિટ માટે એકદમ મસળો. મસળવા દરમ્યાન બાંધેલો લોટ સુકો થતો જતો હોય એવું લાગશે, એટલે મસળવા દરમ્યાન, જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા રહો. અંતે, બાંધેલો લોટ જરા કઠણ અને ભીનાશવાળો હોવો જોઈએ.

 

એક કડાઈમાં ઊંચા તાપે તળવા માટે તેલ ગરમ કરવા મુકો.

 

એક મુઠ્ઠી જેટલો બાંધેલો લોટ, વણવાના પાટલા પર કે કોઈ પણ લાકડાના સપાટ પાટિયા પર લો.

 

લોટને પાટલા પર હળવે હળવે, ધીરે ધીરે, હથેળી વડે વણતા હોવ એવી રીતે ઘસતા ઘસતા હથેળીની એક બાજુ થી સરકાવતા જાવ. આ હથેળીની એક બાજુ થી બહાર આવતો લોટ, આટી ચડેલા સળિયા જેવા આકારનો હશે. આ દરમ્યાન લોટ ચોંટે એવું લાગે તો થોડું તેલ પાટલા ઉપર અને હથેળી ઉપર લગાવો. આવા ટુકડા જેમ જેમ નીકળતા જાય એમ, તરત જ તળવા માટે ગરમ થયેલા તેલમાં નાખી તળી લો. નરમ ગાંઠીયા બનાવવા હોય તો આછા પીળા અને કરકરા ગાંઠીયા બનાવવા હોય તો આછા ગુલાબી થઈ જાય ત્યા સુધી તળો. બધી બાજુ બરાબર તળવા માટે એક કે બે વાર, થોડી વારે તેલમાં ગાંઠીયા ફેરવો.

 

ગાંઠીયા તળાય જાય એટલે તેલમાંથી કાઢીને તરત જ, ગરમા ગરમ  એક સર્વિંગ પ્લેટ માં પીરસો.

 

સાથે પસંદ મુજબ, કઢી, તળેલા મરચાં, વઘારેલા અને અધકચરા પકાવેલ, ખમણેલી કોબી / ખમણેલા ગાજર / ખમણેલું કાચું પપૈયું, સમારેલી ડુંગળી અને ઢીલી લીલી ચટણી પીરસો.

 

ગુજરાતનાં પ્રખ્યાત અને દરેક ગુજરાતીના અતિપ્રિય, વણેલા ગાંઠીયા.

 

Prep.10 min.

Cooking time 10 min.

Qty. 2 Plates

Ingredients:

Gram Flour 250 gm

Soda-bi-Carb ¼ ts

Salt 1 tsContinue Reading

error: Content is protected !!